31 ડિસેમ્બરની પાર્ટીમાં બીભત્સ કપડાં પહેરવા નહીં, ગુજરાતના આ શહેરમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું
વડોદરાઃ શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જાહેરનામું બહાર પાડી 31 ડિસેમ્બરની રાત્રે યોજાનારી પાર્ટીઓમાં વડોદરાની સંસ્કારીતા જળવાઇ રહે તે માટે બીભત્સ કપડાં પહેરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેમણે જણાવ્યું કે, બિભત્સ કપડાં પહેરવાથી પાર્ટીઓમાં જોડાતા બાળકોના માનસ ઉપર અસર થાય છે.
31 ડિસેમ્બરની નાઇટ દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હોટલો, હોલ, પાર્ટી પ્લોટો, રિસોર્ટમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન કરનારને ફરજીયાત CCTV મુકવા સૂચના આપી છે. ન્યૂયર સેલિબ્રેશનના આયોજન અંગે વડોદરામાંથી 7 અરજીઓ આવી છે.
વડોદરાના શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, શહેરમાં ફતેગંજ, સયાજીગંજ સહિત ઘણા વિસ્તારોમાં 31 ડિસેમ્બરે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. તેમજ પાર્ટીઓમાં છેડતીના બનાવોની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મુકાયો હોવાના સમાચાર માધ્યમોમાં વહેતા થતાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ફેમિલી અને મહિલાઓ તથા નાના બાળકો પર તેની ખરાબ અસર ના પડે તે અંગેનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે. તમામ શહેરીજનો પોતાની મરજી પ્રમાણે વસ્ત્રો પહેરી શકે છે અને આ જાહેરનામામાં વસ્ત્રો બાબતે કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ મુકાયો નથી.