‘પપ્પા, ઘર વેચી મારી સારવાર કરાવી દો’, કેન્સરથી મોતને ભેટેલી બાળકીનો રડાવી દે તેવો વીડિયો વાયરલ
વિજયવાડાઃ આંધ્રપ્રદેશના વિજયવાડાની એક 13 વર્ષીય બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં કેન્સરથી ઝઝૂમી રહેલી આ બાળકી પોતાની સારવાર માટે પિતાને મદદ માટે આજીજી કરતી જોવા મળી રહી છે. તે પિતાને કહે છે કે ‘ઘર વેચી મારો પરંતુ મારા કેન્સરની સારવાર કરાવો’. જોકે, બાળકીની આજીજી તેના પિતાના દિલને પીગળાવી શકી નહી અને અંતે બાળકી કેન્સર સામે જિંદગીનો જંગ હારી ગઇ. મોત બાદ તેનો આ સેલ્ફી વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાષાને કારણે બાળકી શું બોલી રહી છે તેનો તમને ખ્યાલ નહીં આવે પરંતુ અહીં અમે તે શું બોલી રહી છે તેની જાણકારી આપી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બાળકીનું નામ સાઇ શ્રી હતું. તેને બોન મેરો કેન્સર હતું. તેની માતાએ સાઇ શ્રીની સારવાર માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી હતી. સાઇ શ્રીના પિતાનું નામ મદામશેટ્ટી શિવ કુમાર છે જેઓ તેમની પત્ની સુમા શ્રી અને દીકરી સાઇ શ્રીને આઠ વર્ષ અગાઉ છોડી ચૂક્યા હતા. અલગ થયા અગાઉ બંન્ને પતિ-પત્નીએ સાઇ શ્રીના નામે દુર્ગાપુરમમાં ઘર ખરીદ્યું હતું.
પિતાના છોડી ગયા બાદ માતા અને દીકરી ત્યાં જ રહેતા હતા. બાદમાં સાઇ શ્રી કેન્સરનો ભોગ બની. થોડા મહિના અગાઉ જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઇ તો તેણે તેના પિતાને ઘર વેચીને સારવાર કરવા આજીજી કરી હતી. સાઇ શ્રીની માતા તેના સારવાર પાછળ 40 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકી હતી અને તેની પાસે હવે કાંઇ પણ બચ્યું નથી. જેને કારણે સાઇ શ્રીએ વીડિયો મેસેજ કરીને પિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યુ હતું પરંતુ તેના પિતા તરફથી કોઇ જવાબ આવ્યો નહોતો.
વીડિયોમાં સાઇ શ્રીએ પિતાને કહ્યું કે, હું સ્કૂલ જવા માંગું છું અને મિત્રો સાથે રમવા માંગું છું. પરંતુ તેના પિતાએ ઘર વેચવાની મંજૂરી આપી નહોતી. આખરે 14 એપ્રિલના રોજ સાઇ શ્રી કેન્સર સામેનો જંગ હારી ગઇ અને મોતને ભેટી હતી.
એવું કહેવામાં આવી રહ્યુ કે, આ વીડિયો વાયરલ થયા બાદ નારાજ સાઇ શ્રીના પિતા મદામશેટ્ટી શિવ કુમારે સુમા શ્રીને ધમકાવવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. સુમા શ્રીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.