બિહારઃ યુવકની હત્યાથી ભડકેલી ભીડે આરોપીને પ્રથમ માળેથી નીચે ફેંક્યો, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ બિહારના નાલંદા જિલ્લામાં ભીડે હત્યાના એક આરોપીને ઘરના પ્રથમ માળની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હતા. આ ઘટનામાં આરોપી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. ભીડને જ્યારે જાણ થઇ કે આરોપીએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી છે ત્યારે તેને માર માર્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ભીડે આ દરમિયાન મકાનમાં તોડફોડ કરી હતી અને અડધો ડઝન કારમાં આગ ચાંપી દીધી હતી. ભીડને રોકવા માટે પોલીસ પહોંચી તો પોલીસ સાથે પણ હિંસા કરવામાં આવી હતી. જેમાં 11 પોલીસ જવાનો ઘાયલ થયા હતા. એસપી સુધીર કુમાર પોરિકાએ કહ્યું કે, ભીડે તે બાલ્કની પરથી એક પોલીસ જવાનને ધક્કો મારી દીધો હતો જે આરોપીને બચાવવા ગયો હતો.
તેમણે કહ્યું કે, 28 વર્ષના દિવાકર કુમારની ગોળી મારીને હત્યા કર્યા બાદ આરોપી એક મકાનમાં જઇને છૂપાઇ ગયો હતો. સ્થાનિક લોકોએ જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે ભીડે મકાન પર હુમલો કરી દીધો હતો. ભીડમાં સામેલ લોકોએ આરોપીની ધોલાઇ કરી હતી અને તેને પ્રથમ માળની બાલ્કનીમાંથી ફેંકી દીધો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.