પાસપોર્ટ પર બનાવટી વિઝાના સ્ટીકર લગાવી છેતરપિંડી કરતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
આણંદ એસઓજી પોલીસે પાસપોર્ટ પર બનાવટી વિઝાના સ્ટીકરો લગાવીને લાખો રૂપિયાની છેતરપીંડી કરતી દિલ્હીની ગેંગના એક મુખ્ય સૂત્રધારને ઝડપી પાડીને તેની પાસેથી ૪૪ જેટલા ભારતીય બનાવટના પાસપોર્ટ, પ્રીન્ટર, વિઝાના બનાવટી સ્ટીકરો સહિત તેને આનુસંગિક કેટલીક વસ્તુઓ મળી આવતાં પોલીસે તે જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. બે એક મહિના પહેલાં આણંદ એસઓજી પોલીસે ટાઉનહોલ પાસેથી મુળ ખંભાત તાલુકાના ફીણાવ ગામના વતની પરંતુ હાલમાં સુરત ખાતે રહેતા જયેશભાઈ મંગળભાઈ પટેલને ઝડપી પાડીને તેની પાસેથી વડોદરાના જેનીથ શેઠનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો. આ પાસપોર્ટ પર કેનેડાના વિઝાના સ્ટીકરો મારેલા હતા. જેથી દિલ્હી સ્થિત કેનેડાની ઈમીગ્રેશન ઓફિસમાં તપાસ કરતાં તે બનાવટી હોવાનું માલુમ પડતાં જ આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને જયેશની પૂછપરછ કરતાં તેને આ સ્ટીકર દિલ્હી ખાતે રહેતા લક્કી નામના ઈસમે મારી આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જયેશ અને લક્કી મલેશિયામાં મળ્યા હતા અને ત્યાં બન્ને વચ્ચે મિત્રતા બંધાતા લક્કીએ આવું કોઈ કામ હોય તો જણાવવા કહ્યું હતુ. જેને લઈને જયેશે ભારત પરત ફરીને વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરવાનો ધંધો ચાલુ કર્યો હતો.