વિધાનસભામાં કપિલ પર AAP ધારાસભ્યોએ કરી મારપીટ, પૂર્વ મંત્રીએ કહ્યું- સિસોદીયાએ માર ખવડાવ્યો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ દિલ્હી સરકારના સસ્પેન્ડ મંત્રી કપિલ મિશ્રા સાથે વિધાનસભામાં મારપીટ કરી હતી. કપિલ મિશ્રાએ આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આપના ધારાસભ્યોએ કપિલ મિશ્રાને વિધાનસભાની બહાર કરી દીધા હતા.
આ ઘટના બાદ કપિલ મિશ્રાએ કહ્યું કે, તે કેજરીવાલના ભ્રષ્ટાચાર પર બોલવા માંગે છે પરંતુ તેમને બોલવાની તક આપવામાં આવતી નથી. મિશ્રાએ કહ્યું કે, જ્યારે મેં આ વાત કહેવા માંગી તો વિધાનસભામાં મદનલાલ અને જરનૈલસિંહે મારી સાથે મારપીટ કરી હતી. મિશ્રાનું કહેવું છે કે પ્રથમવાર બન્યું છે જ્યારે વિધાનસભામાં ચાર-પાંચ ધારાસભ્યોએ મારી સાથે મારપીટ કરી છે. પૂર્વ મંત્રી કપિલે કહ્યુ કે, નાયબ મુખ્યમંત્રી સિસોદીયાના ઇશારા પર આપના ધારાસભ્યોએ મને માર્યો છે.
મિશ્રાએ કહ્યુ કે, કેજરીવાલના ગુંડાઓએ મારી છાતી પર લાતો મારી. મારા હાથ પર ઇજા પહોંચી છે. મદનલાલ અને જરનૈલસિંહ અને અમાનતુલ્લા સામેલ હતા. આ ઘટના પર સતેન્દ્ર જૈન અને કેજરીવાલ વિધાનસભામાં હસી રહ્યા હતા. મિશ્રાએ કહ્યુ કે, તેઓ ત્રણ જૂનના રોજ કેજરીવાલ અને જૈનના ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરશે.