Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા જોજો આપ. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં પહોંચી એક ભૂવાએ વિધિ કરી. સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા. જેમાં મુકેશ ભુવાજી નામનો શખ્સ બિનદાસ્ત રીતે ICU વોર્ડમાં ઘૂસ્યો અને વેન્ટિલેટર પર સારવાર લેતા દર્દી પર વિધિ કરી. વાયરલ વીડિયોમાં પરિવારજનો દાવો કરતા જોવા મળ્યા કે, ભૂવાની વિધિના કારણે દર્દી સાજો થઈ ગયો. મુકેશ ભુવાજી નામનો ઢોંગી પોતાને ડૉક્ટર ખોડિયાર તરીકે ઓળખાવતો. દર્દીના સાજા થયા બાદ મળવા માટે તેના ઘરે જતો, જ્યાં લોકો તેનું સ્વાગત કરતા. દર રવિવારે તેનો દરબાર ભરાતો, જ્યાં લોકો પર તે વિધિ કરતો. ઢોંગી મુકેશ ભુવાજી નિકોલના વણકરવાસમાં રહેતો. તેના પરિવારમાં બે બાળકો અને પત્ની છે.. abp અસ્મિતાની ટીમ જ્યારે તેના ઘરે પહોંચી જાણવા મળ્યું કે, તે પરિવારથી અલગ રહે છે.
સિવિલ હોસ્પિટલના દર્દી પર વિધિ કરતો હોય તેવો વીડિયો વાયરલ થતા હોસ્પિટલની સિક્યૂરિટી પર સવાલો ઉઠ્યા. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે, દર્દીના સગો સાથે તે અંદર ગયો હતો. પરંતુ હવે આવી ઘટના ન બને તે માટે સુરક્ષા સઘન બનાવાશે. આ તરફ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અનુસાર, મુકેશ ભૂવાજી સામે અંધશ્રદ્ધા વિરોધી નવા કાયદા મુજબ ફરિયાદ નોંધાવાશે.