Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?
સુચીત જંત્રીના વિરોધમાં રાજ્યભરના બિલ્ડર્સે સરકાર સામે બાંયો ચઢાવી. રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા. રાજકોટના રેસકોર્સથી કલેક્ટર કચેરી સુધી બિલ્ડર્સની રેલી નીકળી. બિલ્ડર એસોસિએશને આરોપ લગાવ્યો કે, મનપાના કડક નિયમોના કારણે અનેક પ્રોજેક્ટ અટકી પડ્યા છે. રાજકોટના કલેક્ટર અનુસાર, જંત્રીના વિરોધમાં અત્યાર સુધી 150 ઓફલાઈન અરજી મળી છે.કમિટી બનાવી સરકાર સમક્ષ રજૂઆત કરાશે. આ તરફ, વડોદરામાં અકોટાથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી. બિલ્ડર્સે ચીમકી ઉચ્ચારી કે, જો સરકાર જંત્રીના દર નહીં ઘટાડે તો હાઈકોર્ટમાં જઈશું. ગાંધીનગરમાં પણ બિલ્ડર્સે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી કે, જંત્રીના દરમાં વધારાથી બાંધકામ ઉદ્યોગ પડી ભાંગશે..
છેલ્લે વર્ષ 2011માં સર્વે કર્યા બાદ રાજ્ય સરકારે જંત્રીના ભાવ વધાર્યા હતા. તે પછી નિયમિત વધારો કરવાને બદલે એપ્રિલ 2023માં વર્તમાન જંત્રીને સીધી બમણી કરી દીધી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેલ્યુ ઝોન બનાવી વૈજ્ઞાનિક ઢબે સરવે કરવામાં આવ્યો હતો. જેના આધારે ડ્રાફ્ટ જંત્રી તૈયાર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા..સરકારે પહેલી એપ્રિલ 2025થી નવા દરો લાગુ કરવાની તૈયારી કરી છે. ત્યારે ગાંધીનગરમાં ડ્રાફ્ટ જંત્રીના દરો અઢીથી ત્રણ ગણા જેટલા વધારે અને કેટલાક વિસ્તારોમાં અવાસ્તવિક હોવાની ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે બિલ્ડર્સની સંસ્થાઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.