હું તો બોલીશઃ 'નર્કની ગલી' પાર્ટ-2
સુરતના કામરેજના કરજણમાં ખાડીમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત દુષિત પાણીને લીધે અહીં નર્ક જેવી સ્થિતિ ઉદભવી છે. ગુરૂવારે સાંજે ગ્રામજનોએ ખાડીમાં આવતા દુષિત પાણીને જોઈને તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, નજીક આવેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી કોઈ મીલમાંથી આ દુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ પાઈપ લાઈનમાંથી વહેતા દુષિત પાણીનો વીડિયો બનાવી સોશલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઝાડી ઝાંખરા અને કાદવ કીચડ ભરેલા માર્ગ પરથી પસાર થઈ ગટરના આઉટલેટ સુધી પહોંચતા જોવા મળ્યું કે કોઈ પહાડ પરથી જાણે ઝરણું વહેતુ હોય તેમ કેમિકલયુક્ત પાણી ખાડીમાં વહી રહ્યું છે. આગળ જતા આ ખાડી તાપી નદીમાં ભળે છે અને તાપી નદીનું પાણી કાંઠા વિસ્તારના 18 ગામો પીવા માટે ઉપયોગમાં લે છે. ગ્રામજનોએ તમામ મીલમાં જનતા રેડ કરીને તપાસ કરી ત્યારે એક મીલમાંથી દુષિત પાણી નીકળતું હોવાનું સામે આવ્યું હતું. આ મીલમાં પ્લાસ્ટિક વેસ્ટનો કચરો લાવી તેને કેમિકલ પ્રોસેસ કરીને તેમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવી રહ્યા હતા. અને કેમિકલયુક્ત વેસ્ટ દુષિત પાણી અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનથી સીધુ ખાડીમાં છોડવામાં આવી રહ્યું હતું. ગ્રામજનોની ફરિયાદના આધારે જીપીસીબીની ટીમ પણ તાત્કાલિક એસ્ટેટ પર પહોંચી હતી. દુષિત પાણી છોડતી મીલમાંથી નમૂના એકત્રિત કરીને કાર્યવાહી શરૂ કરી હતી. જો કે મીલને કોઈપણ ભોગે સીલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી છે.