
Hun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરા
વડોદરાના કારેલીબાગમાં મુક્તાનંદ સર્કલ પાસે નશામાં ચકચુર થઈ નબીરાએ આઠ લોકોને અડફેટે લીધા. નબીરાના રફ્તારની મજા હેમાલી પટેલ નામની નિર્દોષ મહિલા માટે મોતની સજા સાબિત થઈ. જ્યારે અન્ય સાત લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા. અકસ્માતની હારમાળા સર્જીને રક્ષિત ચોરસીયા નામનો નબીરો રસ્તા વચ્ચે જ બકવાસ કરતો રહ્યો. જે બાદ હાજર લોકોએ રક્ષિત ચોરસીયાને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે તેની સાથે કારમાં સવાર પ્રાંશુ નામનો આરોપી અકસ્માત બાદ કારની બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કર્યો. આખરે બંન્ને નબીરાને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે રક્ષિત ચોરસીયાના પિતા વારાણસીમાં બિઝનેસમેન છે. રક્ષિત અને તેનો મિત્ર પ્રાંશુ મિત્રના ઘરે હોલિકા દહનની ઉજવણી કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ ઓવરસ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો.. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નબીરા આરોપી રક્ષિતે ભાંગ પીધી હોવાનું અને પોતાની ભુલ થયાનું પણ સ્વીકાર્યું. પોલીસે આરોપીઓના બ્લડ સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલ્યા છે. FSLની પણ મદદ પણ લેવામાં આવી રહી છે.. પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.