Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષક કે શેતાન?
સમાજમાં શિક્ષકનું મુઠ્ઠી ઉંચેરૂ સ્થાન છે. પણ આજ શિક્ષક જ્યારે હેવાનિયતની હદ વટાવે ત્યારે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર થવું પડે છે. છેલ્લા 24 કલાકમાં બનેલી એ બે ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પહેલી ઘટના દાહોદના સિંગવડ તાલુકાની છે. અહીં શાળાના આચાર્યે જ બાળકીની હત્યા કરી નાંખી. તો બીજી ઘટના બોટાદના ઢસા ગામની છે.. અહીં શિક્ષક પર વિદ્યાર્થિની પર છેડતીનો આરોપ લાગ્યો.
દાહોદમાં શિક્ષણ જગતને તાર -તાર કરતી ઘટના સામે આવી. બે દિવસ પૂર્વે ધો. 1ની વિદ્યાર્થીનિની લાશ મળી આવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. અન્ય કોઈ નહીં પણ શાળાના આચાર્યએ જ પહેલા બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો. જોકે તેમાં સફળ ન થતા હત્યા કરી નાંખ્યાનો પર્દાફાશ થયો.ઘટના દાહોદ જિલ્લાના સીંગવડની છે. તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી શાળાએથી છૂટ્યા બાદ ઘરે પરત ફરી ન હતી. બાદમાં તેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે, શાળાના આચાર્યએ જ બાળકીની કરી હતી હત્યા. નરાધમ ગોવિંદ નટે સવારે 10 વાગ્યે બાળકીને ગાડીમાં બેસાડી હતી. બાદમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આખો દિવસ બાળકીનો મૃતદેહ ગાડીમાં જ રાખ્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા બાળકીના ચપ્પલ ક્લાસરૂમની બહાર મુકી દીધા હતા. પોલીસે શાળાનાં આચાર્ય ગોવિંદ નટની આકરી પૂછપરછ કરી. આચાર્યએ કબૂલાત કરી કે તેણે જ 6 વર્ષની માસૂમને મોતને ઘાટ ઉતારી. પોલીસે હવે શેતાન ગોવિંદ નટની ધરપકડ કરી છે.