Gujarat Rain Forecast : વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain Forecast : વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
અમદાવાદ: આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાત દિવસ પૈકી આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જેનું કારણ છે રાજ્ય પર ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડી પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જ્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ એમ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.
આજે 11 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ગાજવીજ સાથે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ભારે વરસાદની આગાહીને પગલે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.
5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
હવામાન વિભાગે તેમની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિકસર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના છે.