
Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કથિત કૌભાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિક પટેલે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ભૂતકાળમાં ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારો સાથે પૈસા અને સત્તાના જોરે સમાધાન કરવામાં આવતું હતું. મૃત્યુની અરજીની ફરિયાદ પોલીસ પાસેથી હેલ્થ વિભાગમાં જતી હતી અને આરોગ્ય વિભાગનું એક્સપર્ટ તબીબોનું બોર્ડ ઓપરેશનમાં થયેલી બેદરકારીની તપાસ કરતું હતું. ત્યારબાદ કાર્તિક ફરિયાદી સાથે 'સામ, દામ, દંડ, ભેદ'નો ઉપયોગ કરી સમાધાન કરતો હતો.
કાર્તિક નવો મોબાઈલ લઈને ભારત આવ્યો હતો અને જૂનો ફોન પુરાવા નાશ કરવાના ઈરાદે ફેંકી દીધો હોવાની સંભાવના છે. ખ્યાતિ કાંડના 4-5 દિવસ પહેલાં કાર્તિક પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાંથી ન્યૂઝીલેન્ડ થઈ દુબઈ પહોંચ્યો હતો. તે દુબઈમાં પોતાના મિત્રો સાથે રહેતો હતો અને ખ્યાતિ કાંડ પર નજર રાખી રહ્યો હતો. પત્નીની તબિયત લથડતાં તે ભારત આવવા મજબૂર થયો હતો. વ્હીલચેર પર બેઠેલી પત્ની સાથે તે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. પત્નીના મેડિકલ રિપોર્ટની પણ તપાસ કરવામાં આવશે.