Ahmedabad news: અમદાવાદમાં 2024માં સૌથી વધુ દૂષિત પાણી, છેલ્લા ત્રણ વર્ષના સેમ્પલના પરિણામ જાહેર
અમદાવાદના શહેરીજનોએ વર્ષ 2024માં સૌથી વધુ દૂષિત પાણી પીધું. છેલ્લા ત્રણ વર્ષના પાણીના સેમ્પલના પરિણામ જાહેર થતા જ સામે આવ્યું. રિવ્યુ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે આરોગ્ય વિભાગની બરોબરની ઝાટકણી કાઢી. જેને લઈ આરોગ્ય પ્રશાસન દોડતું થઈ ગયું. વર્ષ 2024માં અમદાવાદમાં 4 લાખ 7 હજાર 538 સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે પૈકી 5 હજાર 779 સેમ્પલ અનફિટ જાહેર થયા. તો વર્ષ 2023માં 1 લાખ 75 હજાર 359 સ્થળેથી પાણીના સેમ્પલ લેવાયા હતાં. જે પૈકી 4 હજાર 236 સેમ્પલ અનફિટ જાહેર થયા. તો વર્ષ 2025માં અત્યાર સુધીમાં 5 લાખ 22 હજાર 431 સેમ્પલ લેવાયા હતા અને જે પૈકી 751 સેમ્પલ અનફિટ આવ્યા. રોગચાળાની દ્રષ્ટિએ પણ વર્ષ 2025માં આરોગ્ય વિભાગની કામગીરી નબળી રહી છે. અત્યાર સુધીમાં ઝાડા- ઉલ્ટીના કુલ 5 હજાર 610 કેસ નોંધાયા. તો વર્ષ 2025માં અત્યાર સુધીમાં ટાઈફોઈડના 3 હજાર 807 અને કોલેરોના 103 કેસ નોંધાયા.