
Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહી
અમરેલીના ચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે આ કડક કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે.
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામનું નકલી લેટરપેડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. આ અંગે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું. આ ઘટના બાદ રાજ્યના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવીને ધરણાં અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને ન્યાયની માંગણી કરી હતી.