CM રૂપાણીએ નવી સોલર પાવર પોલીસીની કરી જાહેરાત, જાણો શું થશે ફાયદો ?
રાજ્ય સરકાર દ્વારા આજે નવી સોલાર પોલીસની જાહેરાત કરવામાં આવી. આ સાથે સોલાર પોલીસી લાવવાવાળું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. નાના અને મોટા ઉદ્યોગકારોને નવી સોલાર પાવર પોલીસીથી સસ્તી વિજળી મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ "ગુજરાત સોલર પાવર પોલીસી 2021"ની જાહેરાત કરતા કહ્યું કે, નવી સોલાર પોલિસીથી પરંપરાગત સ્ત્રોત-કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો-પર્યાવરણપ્રિય શુદ્ધ વીજ ઉત્પાદનને વેગ મળશે. આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે. આ પોલિસી હેઠળ રાજ્યમાં કોઈપણ વ્યક્તિ / ડેવલોપર / ઉદ્યોગ પોતાની જમીન અથવા પ્રીમાઈસીસમાં કોઈપણ પ્રકારની લીમીટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકશે. સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેંકશન્ડ લોડ / કોન્ટ્રેક્ટ ડિમાન્ડના 50 ટકાની હાલની લિમિટ દૂર કરાઈ. ગ્રાહકો તેમની છત / જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકશે. તેમની છત / જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે.