Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં સ્ટેશનરીના વેપારની આડમાં ગેરકાયદે ગેસ સિલીન્ડરના વેપલાનો પુરવઠા વિભાગની ટીમે પર્દાફાશ કર્યો. મોરા ગામે આવેલી હરિકૃષ્ણ સ્ટેશનરીની આડમાં ઘરેલુ ગેસ સિલીન્ડરનો વેચવાના ગોરખધંધા ચાલતા હોવાની પુરવઠા વિભાગને માહિતી મળી. જેના આધારે પુરવઠા ટીમે દરોડો પાડ્યો. તપાસ કરતા વેપારીએ અલગ-અલગ સાત સ્થળે ઘરેલુ વપરાશના કુલ 120 ગેસ સિલીન્ડર મળી આવ્યા હતાં. પુરવઠા વિભાગે પૂછપરછ કરતા આ ગેસ સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો એટલે કે વેપારી આ ગેસના બાટલા કેટરિંગના ધંધાર્થીઓને વેચાણ કરતો હતો. ભેજાબાજ વેપારી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ગેસ કનેકશનો બુક કરાવી OTP પોતાની પાસે રાખતો હતો. ગોધરાની ઘનશ્યામ ગેસ એજન્સીના 25 તથા મોરા ઈન્ડેન ગેસ એજન્સીના 60 ડિલીવરી ચલણ મળી આવ્યા. પુરવઠા વિભાગે 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હવે ગેસ એજન્સી સામે પણ કાર્યવાહીનો તખતો તૈયાર કર્યો છે.