Gujarat High Court: દ્વારકા ડિમોલિશન મામલે વકફ બોર્ડને હાઈકોર્ટ તરફથી ઝટકો
ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન નામદાર હાઇકોર્ટે ફગાવી
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરતી પીટીશન અરજદાર દ્વારા નામદાર હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે. વકફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી જે ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દીધા હતા તેને તંત્ર દ્વારા દબાણો દૂર કરવાનો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે દરિયા કિનારે કબ્રસ્તાનની જમીન પર કુલ ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. પીટીશનમાં અરજદાર દ્વારા આ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વકફ બોર્ડની મિલકત હોવાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો. જે દાવા અન્વયે આજરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારની તમામ દલીલોને ફગાવી પીટીશનને પણ ફગાવી દેવામાં આવી છે. જે અનુસંધાને તંત્ર દ્વારા આજે બેટ દ્વારકાના બાલાપર ગામે આ તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.