Gujarat Rain Alert : રાજ્યના ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર

રાજ્યના ચાર જિલ્લામાં વરસેલા ભારે વરસાદ, હજુ આજે પણ વરસાદનું જોર રહેવાની શક્યતાને ધ્યાને લઈ શાળા- કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી. કચ્છ જિલ્લામાં હજુ એક કલાક વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ત્યારબાદ પણ વરસાદનું જોર યથાવત રહેવાનું અનુમાન છે. ત્યારે જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાને પરિપત્ર કરી સ્કૂલો-કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવાનો પરિપત્ર કર્યો છે. આ તરફ ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. તો ઉપરવાસમાં પણ સારા વરસાદથી નદીના જળસ્તર વધ્યા છે અને ગામમાં પાણી ઘૂસવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ પરિપત્ર જાહેર કરી શાળા- આંગણવાડીમાં રજા જાહેર કરી છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરાઈ. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં આજે તો વરસાદનું યલો એલર્ટ છે એટલે કે છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. જોકે ઉપરવાસમાંથી પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગરમાંથી પસાર થતી નદીઓએ ભયજનક સપાટી વધાવી દીધી છે. ત્યારે સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola