BIG NEWS: પાટીદાર આંદોલન પર કરસન પટેલે તોડ્યું મૌન! શું આપ્યું મોટું નિવેદન?
પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના ૪૨ લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કરસન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
આ ઉપરાંત, કરસન પટેલે પાટણમાં વ્યાપક દારૂના દૂષણ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમણે પાટણ યુનિવર્સિટીના દારૂ કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દારૂના મામલે સમાજના બેવડા વલણ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે લોકો સમાજ સુધારવા માટે સંમેલનો કરે છે અને દારૂ છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે, પરંતુ સંમેલન પૂરું થયા પછી એ જ જગ્યા પર દારૂની મહેફિલ થાય છે. કરસન પટેલના આ નિવેદનો સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાને ઉજાગર કરે છે.