Patan | હારીજ APMCની ચૂંટણીમાં ભાજપમાં બળવો, મેન્ડેટનો વિરુદ્ધ વાઘજી ચૌધરી બન્યા ચેરમેન
પાટણ જિલ્લાના હારીજમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે હારીજ APMCના ચેરમેનની બીજી ટર્મની આજે ચૂંટણી યોજાઈ હતી. જો કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના જ સભ્યોએ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ જઈને મતદાન કર્યું અને મેન્ડેટના લીરેલીરા કર્યા. હારીજ APMCના ચેરમેનની પ્રથમ ટર્મ પુરી થતા આજે બીજી ટર્મના ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે બાબુભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યું હતું. જો કે ભાજપના જ ત્રણ જેટલા સભ્યોએ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તેમજ પ્રથમ ટર્મમાં ચેરમેન રહેલા વાઘજીભાઈ ચૌધરીના સમર્થનમાં મતદાન કરી તેમને જીતાડી દીધા. ભાજપના મેન્ડેટવાળા બાબુભાઈ ચૌધરીને આઠ મત મળ્યા તેમજ વાઘજીભાઈ ચૌધરીને નવ મત મળ્યા. વાઘજીભાઈ ચૌધરી 2022માં વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી બાદ વાઘજીભાઈ ચૌધરીને હારીજ APMCમાં પ્રથમ ટર્મમાં ચેરમેન પદ મળ્યું હતું.