Politics on By Elections : પેટાચૂંટણી જાહેર થતા જ આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થતા જ રાજ્યમાં રાજનીતિ શરૂ થઈ ગઈ.. ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીતના દાવાઓ કરવાના શરૂ કરી દીધા છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થતા કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે તે હવે નક્કી થઈ ગયું છે.. આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસનો હાથ છોડીને કડી અને વિસાવદરની ચૂંટણી એકલા હાથે લડવાનું નક્કી કર્યુ છે. એટલુ જ નહીં.. આમ આદમી પાર્ટીએ તો વિસાવદરની પેટાચૂંટણીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાને જાહેર પણ કરી દીધા છે.. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કૉંગ્રેસ પર ગઠબંધન ધર્મ તોડવાનો આરોપ લગાવીને ભાજપ અને કૉંગ્રેસને હરાવવાનો દાવો કર્યો.
આ તરફ પ્રદેશ કૉંગ્રેસે કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રભારીઓની નિમણુંક કરી દીધી છે. કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્ય કિરીટ પટેલ અને રઘુભાઈ દેસાઈ, જ્યારે વિસાવદરની પેટાચૂંટણી માટે પરેશ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, વશરામ સાગઠીયાની પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.. આમ આદમી પાર્ટીના જીતના દાવા પર પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટ કહ્યું કે ગુજરાતની જનતા ક્યારેય ત્રીજો પક્ષ સ્વીકારતી નથી ભાજપને આડકતરી રીતે મદદ કરનાર લોકોને જનતા સબક શીખડાવશે.
તો પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવેએ બંન્ને બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કરતા આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા.. ડૉક્ટર યજ્ઞેશ દવેએ ઈસુદાન ગઢવીને જવાબ આપતા કહ્યું કે ગોપાલ ઈટાલિયા ઉમેદવાર તરીકે જાહેર નથી થયા.. તે જાતે બન્યા છે જેને આમ આદમી પાર્ટીએ મજબુરીથી સ્વીકાર્યા છે. પરંતુ ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીની મજબુરી હોય શકે પણ વિસાવદરની જનતાની નહીં..