Shaktisinh Gohil Resign: શક્તિસિંહનું કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીના પરિણામ આઘાતજનક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આજે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી અને જણાવ્યું કે, "પ્રદેશ પ્રમુખ તરીકે મારી આ છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે." તેમણે કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામોને "આઘાતજનક" ગણાવ્યા હતા અને પોતાના નેતૃત્વ હેઠળ અપેક્ષિત પરિણામો ન આવતા હોવાની જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં સંગઠન સુધારણા કાર્યક્રમની શરૂઆત ગુજરાતથી થઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ સાંભળીને જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે, અને જિલ્લા તથા શહેર પ્રમુખની નવી નિમણૂકથી કોંગ્રેસને નવું બળ મળ્યું છે. તેમણે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો હોવાનું જણાવ્યું.