Gujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે
સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, બાળકો - વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.
રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછુ કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.