
Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનની સાથે લગ્નસરાની સિઝન પણ એટલી જ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે લગ્નના સાત ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. દાહોદ જિલ્લાના બાંડીબારમાં લગ્ન પહેલા કન્યા ડૉક્ટર પરીંદા પંચાલે પોતાના ભાઈ વંશ પંચાલ સાથે મતદાન કર્યુ.. સાથે પહેલા મતદાન અને બાદમાં કન્યાદાનનો પણ સંદેશો આપ્યો.
આ તરફ ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયતની પેટાચૂંટણીની ચિત્રાવડ બેઠક પર હિરણવેલ ગીર મતદાન મથક પર વરરાજા આલાભાઈ રબારીએ પોતાના લગ્ન પહેલા પરિવાર સાથે મતદાન કર્યુ. ખેડા જિલ્લાના અલવા તાલુકા પંચાયતની બેઠક પર લગ્ન પહેલા તૃપ્તિબેન પટેલે ભુંગડીયા પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ.. સાથે જ યુવાનોને ફરજીયાત મતદાન કરવાની અપીલ પણ કરી.
ભાવનગર શહેરની પેટા ચૂંટણીમાં મિલની ચાલી વિસ્તારમાં પરીતાબેન બાબરીયાએ લગ્નના સાત ફેરા ફરતા પહેલા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. સાજસણગાર કરી પરીતાબેન મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યુ.. અને અન્યને પણ મતદાન કરવાની અપીલ કરી. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં માર્ગ મકાન કચેરી પર ઉભા કરેલ મતદાન મથક પર એક વરરાજાએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા.. જ્યાં ઝાંઝરડા મતદાન બુથ પર ઋત્વિક કાછડીયા નામના વરરાજાએ પોતાના લગ્ન પહેલા મતદાન કરવાની ફરજ નિભાવી. આ તરફ રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં વરરાજા પરિવાર સાથે પહોંચ્યા મતદાન કરવા.. લગ્ન માટે કન્યાના ઘરે જાન લઈને જતા પહેલા વરરાજાએ મતદાન કરીને અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી..
બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નમંડપથી સીધા જ આવીને મતદાન કર્યુ.. લગ્નના બંધનમાં બંધાયા પહેલા મતદાન કરીને કન્યાએ નાગરિક ધર્મ નિભાવ્યો. કાલોલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન કરવા પહોંચ્યા હતા વરરાજા.. વોર્ડ નંબર બેના મહેશનગર સોસાયટીના રહીશ એવા રાહુલ વાળાએ જાન લઈને વડોદરા જતા પહેલા મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ..