Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
ગીર સોમનાથના વેરાવળ નજીક એક રહેણાંક મકાનમાં ટાઈમર બોંબ જેવી વસ્તુ મળી આવતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ. ભાલકા મંદિર પાછળ આવેલા એક રહેણાંક મકાનમાં ટાઈમર બોંબ જેવી વસ્તુ હોવાની મકાનના ભાડૂઆતે પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાંચ, બોંબ ડિસ્પોઝલ સ્કવૉડ અને ડૉગ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. બોંબ ડિસ્પોઝલ ટીમની તપાસમાં આ નકલી બોંબ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ અને આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની તપાસમાં મકાન માલિક પ્રકાશ ચુડાસમા નામના યુવકે નકલી બોંબ બનાવ્યાનું સામે આવ્યું. પ્રકાશ ચુડાસમાને ઉઠાવી પૂછપરછ કરાતા તેને રમત-રમતમાં યુ-ટ્યુબમાં વીડિયો જોઈ બોંબ બનાવ્યાની કબૂલાત આપી હતી. નકલી બોંબનું નિર્માણ કરી તેને ઉપરના માળે બાથરૂમમાં એક થેલામાં રાખી દીધો હતો. ત્યારબાદ આ મકાનને ભાડે આપી દીધું હતું. પોલીસની પૂછપરછમાં ચારેક માસ પહેલા આ બોંબ જેવી વસ્તુ બનાવ્યાની કબૂલાત આપી. જોકે સુરક્ષા એજન્સીઓને આ વાત ગળે ઊતરતી નથી ત્યારે મોડી રાત સુધી વિવિધ એજન્સીઓએ યુવકની આકરી પૂછપરછ કરી છે.