Gujarat Rain Data | સવારે 10 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ, વાલિયામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ
Gujarat Rain Data | ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું છે. વાલિયાના માર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. દોલતપુર ગામને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. સોડગામ જવાના મુખ્યમાર્ગ પર પણ પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. વાલિયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
વાલિયા પંથકમાં 12 ઈંચથી વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ છે. વાલિયાનું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. વાલિયાથી માંગરોળ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ભરાયા હતા. વાલિયાના ડહેલીમાં મહાદેવ મંદિર પાણીમાં જળમગ્ન થયા છે.