Weather News : ઉત્તરભારતમાં હિમવર્ષાની અસરથી ઘટ્યું તાપમાન, જાણો અમદાવાદના શું છે હાલ?

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે અમદાવાદમાં ગત રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઠંડીની વિદાય વેળાએ એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલની અસર વર્તાઈ હતી. જેને કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું. હજુ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. બાદમાં ફરી ગરમી ભુક્કા બોલાવશે.        સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ ઠંડા પવનના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1 ડિગ્રી અને સોમવાર કરતાં 2.3 ડિગ્રી ગગડીને 32.7 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 21.5 ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વડોદરા, મહુવા અને સુરેન્દ્રનગરને બાદ કરતાં રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થયો હતો. બેથી ત્રણ દિવસ વિવિધ શહેરોના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola