CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
2026નું નવું વર્ષ દેશના કરોડો ગેસ ઉપભોક્તા માટે ખુશખબર લઈને આવ્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો છે. જેના પગલે 1 જાન્યુઆરી 2026થી CNG અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ બે રૂપિયાથી ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થશે. PNGRBના એક સભ્યએ કહ્યું કે નવા ટેરિફ માળખાથી પરિવહન ક્ષેત્રને અને ગૃહિણીઓના કિચન બજેટને સીધો લાભ મળશે. અગાઉ 2023માં લાગુ જૂની સિસ્ટમ હેઠળ ગેસના ભાવ ત્રણ જુદા-જુદા અંતર આધારિત ઝોન પર નિર્ભર હતા. 200 કિમી સુધી 42 રૂપિયા, 300થી 1200 કિમી સુધી 80 રૂપિયા અને 1200થી વધુના અંતર માટે 107 રૂપિયા ટેરિફ હતો. હવે ઘટાડીને બે ઝોન કરી દેવાયા.
નવી વ્યવસ્થા હેઠળ ઝોન-1 માટે દરને તર્કસંગત બનાવતા 54 રૂપિયા નક્કી કરાયા છે. જે અગાઉ 80થી 107 રૂપિયા સુધી હતા. આ સરળીકરણ સમગ્ર ભારતમાં સમાન રીતે લાગુ થશે. આ નિર્ણયની અસર દેશના 312 ભૌગોલિક ક્ષેત્રોમાં કાર્યરત 40 સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર પડશે. સરકારે સાફ નિર્દેશ આપ્યા છે કે ઘટાડેલા દરનો પૂરો લાભ સીધો સામાન્ય ઉપભોક્તાઓ સુધી પહોંચાડવામાં આવે. કંપનીઓ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાનો લાભ જનતાને આપી રહી છે કે નહીં તેના પર નિયામક બોર્ડ પોતે નજર રાખશે. સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાથી ખાનગી સીએનજી વાહનો અને સીએનજી ટેક્સીચાલકો ઉપરાંત રસોઈ માટે પીએનજી ઉપયોગમાં લેતા પરિવારને ફાયદો થશે. PNGRB માત્ર રેગ્યુલેટરની નહીં પરંતું ફેસિલિટેટરની ભૂમિકા પણ નિભાવી રહ્યું છે. સીએનજી અને પીએનજી માટે સસ્તો અને રેશનલાઈઝડ ગેસ આપવાની સરકારની પહેલથી દેશભરમાં પ્રાકૃતિક ગેસના ઉપયોગમાં ઝડપી વૃદ્ધિની ધારણા છે.