Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે લોકોથી ભરેલી બોટ અચાનક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 101 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માત સાંજે 5.30 વાગ્યાની આસપાસ થયો હતો.
ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા ટાપુ પર મુસાફરોને લઈને જતી બોટ બુધવારે ટક્કર બાદ પલટી ગઈ હતી. મળતી માહિતી મુજબ નેવીની એક સ્પીડ બોટ પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ જેકેટ પહેરેલા લોકો મુસાફરોને બચાવતા જોવા મળે છે.
સીએમ દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી છે કે નૌકાદળની બોટ નીલકમલ નામના પેસેન્જર જહાજ સાથે અથડાઈ હતી. હાલમાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે, જેમાં 10 નાગરિકો અને ત્રણ નૌસૈનિકનો સમાવેશ થાય છે. પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.