
Mahakumbh Mela 2025: વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો આજથી પ્રારંભ
વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રારંભ. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને વહેલી સવારથી પવિત્ર સ્નાન કરી રહ્યા છે. કલ્પવાસ પોષ પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘી પૂર્ણિમા સુધી ચાલે છે. આ એક મહિનામાં કલ્પવાસ કરનારા લોકો સવાર-સાંજ ગંગા સ્નાન કરે છે અને ભાગવત ભજનમાં મગ્ન રહે છે... આ ઉપરાંત તેઓ સત્સંગમાં ભગવાનની ભક્તિ કરતા રહે છે. જેથી તેમની સાથે તેમના પરિવાર અને કુળનું પણ કલ્યાણ થઈ શકે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે. જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. તો વ્યવસ્થાના ભાગરુપે મોડી રાતથી મેળામાં વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ વખતે સંગમમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 85 દિવસમાં સિંચાઈ વિભાગે દિવસ-રાત મહેનત કરીને સંગમ નોઝનો વિસ્તાર 2 હેક્ટરથી વધુ વધાર્યો છે. આ સાથે હવે દર કલાકે 2 લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી શકશે. 2019માં સંગમ નોઝની ક્ષમતા પ્રતિ કલાક 50 હજાર ભક્તોના સ્નાનની હતી. આ રીતે તેમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે.