ABP News

Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ

Continues below advertisement

Nitin Patel : અનામત આંદોલન કેમ થયું? નીતિન પટેલના નિવેદનથી છેડાયો વિવાદ

Nitin Patel: કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણમાં વધી રહેલા દલાલો વિશે આંચકાજનક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે."

નીતિન પટેલે અનામત આંદોલન વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, "90 થી 95 ટકા બિન અનામત વાળા વર્ગના વિદ્યાર્થીઓને આવે તો પણ એડમિશન નહોતા મળતા. સરકારે નવી મેડિકલ કોલેજો શરૂ કરી, બધાને એડમિશન લેવા હોય પણ મળે નહિ, એડમિશન ના મળે, અસંતોષ થાય એટલે આ અનામત આંદોલન થયું, જેનો મૂળ ઉપાય મોદી સાહેબે કરી મેડિકલ સીટો દર વર્ષે 10000 વધશે."

આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષો નીતિન પટેલના આ નિવેદનને ભાજપ સરકાર પર પ્રહાર કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જોકે, ભાજપના નેતાઓ નીતિન પટેલના નિવેદનનો બચાવ કરી રહ્યા છે.

કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણમાં દલાલોની સંખ્યા વધી હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદનને લઈને વિપક્ષોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપનો ખેસ પહેરવો એટલે લૂંટફાટનું લાયસન્સ મેળવવા જેવું છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપે જાતિના પ્રમાણપત્રથી માંડીને ખનિજ ચોરી સુધી તમામ ક્ષેત્રોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે.

આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ નીતિન પટેલના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, સ્કૂટર પર ફરતા લોકો આજે ફોર્ચ્યુનરમાં ફરે છે. તેમણે આરોપ મૂક્યો કે ભાજપના હોદ્દેદારો અધિકારીઓને ધમકાવીને ગેરકાયદે લાભ મેળવે છે.

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ વ્યંગ કરતા કહ્યું કે, સત્તામાંથી નિવૃત્ત થયા પછી નીતિન પટેલને યાદ આવ્યું કે 2015માં અનામત આંદોલનની માગણી વ્યાજબી હતી, જ્યારે તે સમયે તેમણે આંદોલનકારીઓને ખોટા ગણાવ્યા હતા.

આમ, નીતિન પટેલના નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે અને વિપક્ષને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો આપ્યો છે. વિપક્ષનું કહેવું છે કે આ નિવેદન પરથી ભાજપ સરકારે બોધપાઠ લેવો જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram