
Gujarati family Murder in USA: અમેરિકામાં વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યા
અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુએસના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના એક પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો પિતા અને પુત્રી છે, જેઓ મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વિ પ્રદિપકુમાર પટેલ વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં એક સ્ટોરમાં હાજર હતા. તે સમયે એક અશ્વેત વ્યક્તિ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં પ્રદિપકુમાર પટેલ અને તેમની પુત્રી ઉર્વિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગોળીબાર કરનાર અશ્વેત શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આ હત્યાકાંડના કારણોની તપાસ કરી રહી છે. જો કે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.