Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
રાજકોટમાં આહિર સમાજે લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવતો મહત્વનો ઠરાવ કર્યો પસાર. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે હાલાર પંથકના આહિર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. સ્નેહમિલનમાં હાલાર પંથકના 1500થી વધુ પરિવારો હાજર રહ્યા હતાં. આ સ્નેહમિલનમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નિર્ણય કરાયો કે લગ્નના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું જરૂરી છે. ત્યારે નિર્ણય કરાયો કે હવે પ્રસંગમાં માત્ર બે જ તોલું સોનું ચડાવવાનું રહેશે. આટલું જ નહીં લગ્ન પહેલા પ્રિ-વેડિંગ પ્રથા બંધ કરવી, ઠરાવ મુજબ નિયમનો ભંગ કરાશે તો 1 લાખનો દંડ અને જો દંડ ન ભરે તો જાહેરમાં માફી માગવાની રહેશે આટલું જ નહીં સમાજમાંથી કુંટુંબને દૂર કરાશે. આટલું જ નહીં લાડવા પ્રથામાં જમણવાર માત્ર બેન- દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો. કંકુ પગલા પ્રથા પણ બંધ કરવી, કોઈ પણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. તો મામેરામાં 11 હજારથી વધુની રોકડ રકમ આપી શકાશે નહીં. જ્યારે લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધુ દાગીના મૂકવા નહીં. દીકરીના માતા- પિતાએ કન્યાદાનમાં વરપક્ષને બે તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં. તો માઠા પ્રસંગનો જમણવાર પર બેન- દીકરી પૂરતો જ કરવાનો રહેશે. કંકોત્રી રસમ તથા વાના રસનમાં ડેકોરેશનનો ખોટો ખર્ચ નહીં અને પરિવાર પૂરતું જ રાખવું. ફૂલેકા, દાંડિયારાસ, ડીજે, મામેરા, વરઘોડામાં રૂપિયા ઉડાવવા પર પણ પ્રતિબંધનો નિર્ણય કરાયો. સમાજે શ્રાદ્ધનું જમણવાર પણ ઘર પૂરતું રાખવાનું રહેશે. દીકરી વધામણામાં ડેકોરેશન પ્રથા અને પેંડા વહેંચવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો. તો કોઈ પણ પ્રસંગમાં બહેનોએ રૂપિયા પાછા વાળવાની પ્રથા પણ બંધ કરાઈ. વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. જોકે લગ્નનો પ્રસંગ વર- કન્યા પક્ષે સંયુક્ત ઉઠાવવાનો નિર્ણય કર્યો હોય તો આ નિયમ લાગુ પડશે નહીં.