Rajkot Water Logging : રાજકોટમાં જળબંબાકાર, માધાપર ચોકડી પર તળાવ જેવા દ્રશ્યો

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા જનજીવન પ્રભાવિત થયું છે. સવારથી શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરના રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી અને મોરબી હાઇવે જેવા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. અડધા કલાકના વરસાદમાં જ રાજકોટના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માધાપર ચોકડી, અમીન માર્ગ અને શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો બંધ પડી ગયા હતા, જેનાથી વાહનચાલકો ભારે પરેશાન થયા હતા અને તેમને ધક્કા મારવાની ફરજ પડી હતી.

આજે પણ રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જે દર વર્ષે ચોમાસામાં સામાન્ય બની ગઈ છે. માધાપર ચોકડી પર ભરાયેલા પાણીએ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓ પર બંધ પડેલા વાહનો જોઈને લોકોએ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયા પર 'વિકાસ પાણીમાં ડૂબ્યો' જેવા કટાક્ષ પણ કર્યા હતા.

આજે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ધીમો પડ્યો છે, અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola