
Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?
Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?
ગોંડલ/રાજકોટ: સૌરાષ્ટ્રના જાણીતા સહકારી આગેવાન પરસોતમ પીપળીયાએ ગોંડલમાં પ્રવર્તી રહેલી ગુંડાગીરીને લઈને સખત શબ્દોમાં પોતાનો બળાપો ઠાલવ્યો છે. તેમણે ગોંડલને સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર ગણાવતા કહ્યું છે કે અહીં ગુંડાગીરી જગજાહેર છે અને ધાકધમકીઓ તેમજ મારપીટ જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ગોંડલમાં એક પછી એક બની રહેલી ઘટનાઓને પગલે પીપળીયાએ સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ મૂકીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
પોતાના નિવેદનમાં પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી ફૂલીફાલી છે અને આ માત્ર બે ઘટનાઓની વાત નથી. તેમણે ગોંડલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વિભાગની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પીપળીયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમનો આ અવાજ કોઈ ચોક્કસ સમાજ કે વ્યક્તિને ટાર્ગેટ કરવાનો નથી, પરંતુ તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ગોંડલમાં પ્રવર્તી રહેલી ગુંડાગીરી સામે અવાજ ઉઠાવવાનો છે.
રાજકોટના સહકારી અને પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ પોતાની પોસ્ટમાં ગોંડલની તુલના ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સાથે કરી હતી, જે ગુનાખોરી માટે કુખ્યાત છે. તેમણે કહ્યું કે ગોંડલમાં જે રીતે ખુલ્લેઆમ ગુંડાગીરી થઈ રહી છે તે જોતા પોલીસ તંત્રની ભૂમિકા અત્યંત અસંતોષજનક છે. તેમણે ગોંડલની વર્તમાન સ્થિતિને ચિંતાજનક ગણાવી હતી અને સત્તાધીશોને આ અંગે યોગ્ય પગલાં લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.