Rajkot Fire Tragedy: અગ્નિકાંડમાં આરોપી TPO સાગઠીયા અંગે મોટા સમાચાર, આરોપી એમ.ડી.સાગઠીયાએ કરોડોની સંપતિ વસાવ્યાની ચર્ચા
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની મંજૂરીમાં આરએમસી જે અધિકારીઓએ વરવી ભૂમિકા ભજવી છે તેઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ અધિકારીઓમાંના ટીપીઓ એમ ડી સાગઠિયાએ તેમની નોકરીના કાર્યકાળ દરમિયાન કરોડોની સંપત્તિ બનાવી છે.
વર્ષોથી આરએમસીમાં ટીપીઓ પદે ચીપકી રહેલ મનસુખ સાગઠિયાએ અઢળક બેનામી સંપત્તિ બનાવી હોવાની સંભાવના છે. જેની એક આછેરી ઝલક જોઈએ તો રાજકોટ- જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ તાલુકાના ગોમટાના સર્વે નંબર ૧૨૫ પૈકી ૩ની ખેતીની ૭.૫ વિઘા જમીન ૨૨/૪/૨૦૧૬ના ૧૧,૫૩,૫૦૦ રૂપિયામાં ખરીદ કરેલ હોવાની રજીસ્ટાર કચેરીમાં નોંધ થયેલ છે. આ હેકટર ૧-૨૧-૪૧ એટલેકે ૭.૫ વિઘા જમીનનો દસ્તાવેજ તો માત્ર ૧૧.૫૩ લાખનો જ નોંધાયેલ પરંતુ ખરી વાસ્તવિકતા જોઈએ તો આ નેશનલ હાઇ વે પર એક વિઘની કિંમત અત્યારે ૫૦ થી ૬૦ લાખ જેવી બોલાય રહી છે તો ૭.૫ વિઘા જમીનની કિંમત જ ૪ કરોડ જેવી થવા જાય છે.
જ્યારે આ ખેતીની જમીનમાં અતિ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ફાર્મ હાઉસના સુશોભનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના મંગાવેલ સંગેમરમરની મૂર્તિઓ, સ્વિમિંગ પુલ, ફુવારાઓ, બાલક્રીડાગણ, ઓટોમેટિક લોકવાળા દરવાજા એટલે એમ કહી શકાય કોઈ ફિલ્મમાં બતાવવામાં આવતું હોય તેવું આ ફાર્મ હાઉસ છે. અને હજુ તેમાં બીજું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત ફાર્મ હાઉસની બાજુમાં એક પેટ્રોલ પંપ અને તેની બાજુમાં વિશાળ જગ્યામાં એક હોટેલ બની રહી છે. ત્યારે સવાલ એ થાય છે ૭૦ થી ૭૫ હજાર રૂપિયાનો જેનો પગાર હોય તે કાયદેસરના પગારમાંથી આવું કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, હોટેલ બનવી શકે ? અને આ રોડ પર ચોરડી પાસે બીજી પણ કિંમતી જમીન ખરીદી હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે એસીબી એમડી સાગઠિયાની આવી પ્રોપર્ટીઓ વિશે તપાસ કરે તો અનેક બેનામી સંપત્તિ બહાર આવી શકે.