Surat news: સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયું
સુરત શહેરમાં નકલી તબીબોનું ફરી કારસ્તાન સામે આવ્યું છે. પાંડેસરામાં ઝોલાછાપ તબીબોએ ભેગા મળી હોસ્પિટલ પણ શરૂ કરી દીધી. આટલું જ નહીં આ ઝોલાછાપ તબીબોએ કોઈ પણ જાતની જાણ કર્યા વગર ઉદ્ધાટનની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર અને જોઈંટ પોલીસ કમિશનરના નામનો ઉલ્લેખ કરી દીધો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે પાંડેસરા પોલીસે 3 સપ્ટેમ્બરના જ 15 બોગસ તબીબ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. તમામ જામીન પર મુક્ત થયા બાદ રાજારામ દુબે નામના શખ્સે પોતાના સાગરિતો સાથે મળી જ્યાં હોટલ હતી ત્યાં 15 જ દિવસમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ઉભી કરી દીધી. આટલું જ નહીં હોસ્પિટલ શરૂ પણ કરી દીધી. જોકે પાંડેસરા પોલીસને જાણ થતા જ આજે હોસ્પિટલમાં તપાસ કરી. પોલીસે રાજારામ દુબેને ઉઠાવી પોલીસે પૂછપરછ શરૂ કરી.. આખરે પોલીસની કાર્યવાહી બાદ મહાપાલિકા પણ એકશનમાં આવી... ફાયર વિભાગે હોસ્પિટલને ક્લોઝર નોટિસ ફટકારી દીધી. હાલ તો હોસ્પિટલને સીલ કરી તપાસ શરૂ કરવામાં આવી. ફાયર વિભાગની તપાસમાં ફાયર સિસ્ટમ બંધ હોવાનું સામે આવ્યું. આ તરફ બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થતા જ રાજારામ દુબે મીડિયા સમક્ષ આવ્યો. જેને મીડિયા સમક્ષ ડંફાસ મારી કે જે ત્રણ પર બોગસ તબીબનો આરોપ લાગ્યો છે તે તબીબ છે જ નહીં પણ હોસ્પિટલમાં ઈન્વેસ્ટર છે. આ તબીબો કોઈ સર્જરી કે હોસ્પિટલમાં સારવાર આપવાના જ નથી. હોસ્પિટલની ફાયર NOC અને BU પરમિશનની પ્રક્રિયા પ્રોસેસમાં છે. આરોગ્ય વિભાગ, મહાપાલિકા અને ફાયરની ટીમની તપાસ બાદ હોસ્પિટલ શરૂ કરવાનો દાવો કર્યો. રાજારામ દુબે મીડિયા સમક્ષ હોસ્પિટલ પર અને તબીબ પર લાગેલા આરોપને પાયાવિહોણા ગણાવ્યા.