સુરતમાં પબજી ગેમ રમવા મોબાઇલ રિચાર્જના રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર કર્યો હુમલો
સુરતમાં પબજી ગેમ રમી શકે તે માટે મોબાઈલ રિચાર્જ કરાવવા પિતાએ રૂપિયા ન આપતા કળયુગી પુત્રએ ચપ્પુના ઘા મારી પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ પુત્ર ફરાર થઇ ગયો હતો. પિતાએ લિંબાયત પોલીસમાં પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.સુરતના લીંબાયત નીલગીરી સર્કલ નજીક જવાહર મહોલ્લામાં રહેતા 52 વર્ષિય ભાઈલાલ કારાભાઈ માળીને બે દીકરા છે. મોટો દીકરો અનીલ અને નાનો ઉમેશ છે .જેમાં ઉમેશે તેના પિતા પાસે મોબાઇલમાં પબજી રમવા 500 રૂપિયા માંગ્યા હતા. પિતાએ આપવાની ના પાડતા ઉમેશે ઝગડો શરૂ કરી પિતાને માથામાં અને પેટના નીચેના ભાગે ચપ્પુ મારી દીધું હતું. મોટો દીકરા તેમજ અન્ય લોકોએ ઉમેશને સમજાવ્યો ત્યારે ઉમેશે પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.ભાઈલાલને તેમની દીકરી સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી.પિતાએ ઉમેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.