PM Modi In Gujarat : PM મોદીનું ગુજરાતમાં ઉષ્માપૂર્ણ સ્વાગત, મોદીને આવકારવા કોણ કોણ પહોંચ્યું?
PM Modi In Gujarat : PM મોદીનું ગુજરાતમાં ઉષ્માપૂર્ણ સ્વાગત, મોદીને આવકારવા કોણ કોણ પહોંચ્યું?
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી મોદી આજે તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસને લઈ વડોદરા પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ રોડમાર્ગે કેવડિયા જવા રવાના થયા હતા. તેમની આ મુલાકાત મુખ્યત્વે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા દળો એકતા અને અખંડતાનો સંદેશ આપશે.
સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ અને સુરક્ષા વ્યવસ્થા
કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસના VVIP રૂમ માં રાત્રિ રોકાણ કરશે. તેમના રોકાણને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના કારણોસર હાલમાં સર્કિટ હાઉસને ખાલી કરી દેવામાં આવ્યું છે અને ત્યાં SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) તૈનાત કરી દેવામાં આવી છે. 31 ઓક્ટોબર ના રોજ કેવડિયામાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ફરી વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી નવી દિલ્હી જવા માટે રવાના થશે.
500 નેતા-કાર્યકર્તાઓ સાથે મુલાકાત
વડાપ્રધાનના આગમનને પગલે રાજ્યના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ખાસ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોષી, તમામ ધારાસભ્યો અને વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો સહિત લગભગ 500 જેટલા કાર્યકરો કેવડિયા જશે. 30 ઓક્ટોબર ની સાંજે જ કોર્પોરેટરો અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો અને નેતાઓ ખાનગી લક્ઝરી બસમાં કેવડિયા પહોંચી જશે, જ્યાં તેઓ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે.
રાષ્ટ્રીય એકતા પરેડ: 16 કન્ટીજન્ટ્સની ભવ્ય રજૂઆત
31 ઓક્ટોબરે એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એક વિશેષ 'મુવિંગ પરેડ' નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની પેટર્ન નવી દિલ્હીમાં દર વર્ષે 26 મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડ જેવી જ હશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
પદક વિજેતાઓ અને બેન્ડ ડિસ્પ્લેનું આકર્ષણ
આ એકતા પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે. એટલું જ નહીં, ઓપરેશન સિંદૂર ના BSF ના 16 પદક વિજેતા અને CRPF ના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત, રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના 2 સ્કૂલ બેન્ડ અને રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા 2 સ્કૂલ બેન્ડ મળીને કુલ 4 સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ રજૂ કરવામાં આવશે.