SCO Summit 2025: ચીનમાં પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર (30 ઓગસ્ટ) સાંજે ચીનના તિયાનજિન પહોંચ્યા હતા. વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ અને બદલાતા ગઠબંધનો વચ્ચે સાત વર્ષ પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત છે.
પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશોએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અને ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા પુનઃસ્થાપિત કરવા જેવા પગલાં લઈને સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન પહોંચ્યા છે અને આજે તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ પહેલા થઈ હતી. પ્રધાનમંત્રી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઉત્તર ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં હાજરી આપશે. પીએમ મોદીએ શનિવારે X પર પોસ્ટ કર્યું હતું કે, 'હું ચીનના તિયાનજિન પહોંચ્યો છું. SCO સમિટમાં ચર્ચા અને વિવિધ વિશ્વ નેતાઓને મળવાની રાહ જોઈ રહ્યો છું.'