પૂર્વાંચલ યુનિવર્સિટીના VCની વિદ્યાર્થીઓને સલાહ- કોઇની હત્યા કરીને આવજો બાદમાં અમે જોઇ લઇશું.
લખનઉઃઉત્તરપ્રદેશમાં યુનિવર્સિટીના કુલપતિ પોતાના વિદ્યાર્થીઓને ઝઘડા બાદ હત્યા કરવાની સલાહ આપી રહ્યા છે. વાસ્તવમાં જૌનપુરના વીર બહાદુર સિંહ પૂર્વાચલ યુનિવર્સિટીના કુલપતિ રાજારામ યાદવે એક સેમિનાર દરમિયાન કહ્યું હતું કે, જો પૂર્વાચલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય તો લડાઇમાં માર ખાઇને નહી પરંતુ મારીને આવે છે. એટલું જ નહી તેઓ હત્યા પણ કરી દે છે.
ગાજીપુરના સત્યદેવ ડિગ્રી કોલેજમાં સેમિનારમાં સંબોધિત કરતા કુલપતિ રાજારામ યાદવે કહ્યું કે, યુવા વિદ્યાર્થી એ હોય છે જે પર્વત પર પગ મારે છે તો પાણીની ધાર નીકળે છે. તેને વિદ્યાર્થી કહે છે. વિદ્યાર્થી પોતાના જીવનમાં જે સંકલ્પ લે છે તેને પોતાની આંખથી પુરા કરે છે. તેને જ પૂર્વાચલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી કહેવામાં આવે છે. જો તમે પૂર્વાચલ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય તો રડતા રડતા મારી પાસે ક્યારેય ના આવતા. જો કોઇ સાથે ઝઘડો થઇ જાય તો તેને મારીને આવજો અને તમારી ઇચ્છા હોય તો તેનું મર્ડર પણ કરી દેજો ત્યારબાદ અમે જોઇ લઇશું. નોંધનીય છે કે ગયા વર્ષે રાજ્યપાલ રામ નાઇકે રાજારામ યાદવને પૂર્વાચલ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હતા. આ અગાઉ તેઓ ઇલાહાબાદ યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગના પ્રોફેસર હતા.