અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

તેમણે ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે.

વિશ્વના અમીરોની યાદીમાં હવે માત્ર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ જ તેમનાથી આગળ છે.

આ સિદ્ધિ મેળવનાર ગૌતમ અદાણી એશિયાના પ્રથમ વ્યક્તિ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અદાણીની નેટવર્થ 137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે.

આ વર્ષે તેમની નેટવર્થ 60.9 બિલિયન ડોલર વધી છે. ફેબ્રુઆરીમાં તે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.

એપ્રિલમાં તેમની નેટવર્થ 100 બિલિયન ડોલરને વટાવી ગઈ હત. ગયા મહિને તેઓ બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા હતા.

અદાણીએ તાજેતરના વર્ષોમાં તેમના બિઝનેસને નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે

આજે તેમનું જૂથ કોલસાથી લઈને પોર્ટ્સ, મીડિયા, સિમેન્ટ, એલ્યુમિના અને ડેટા સેન્ટર સુધીના બિઝનેસમાં છે.

અદાણી ગ્રૂપ માર્કેટ કેપની દૃષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું સમૂહ બની ગયું છે. આ જૂથ દેશમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર છે.

આ સાથે અદાણી ગ્રુપ શહેર ગેસ વિતરણ અને કોલ માઇનિંગમાં પણ નંબર વન પર છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70 બિલિયન ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે.


આમ ગૌતમ અદાણીએ વિદેશમાં પણ ગુજરાતનો ડંકો વગાડ્યો છે.