ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવેલિન થ્રો પ્લેયર નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો યુએસએના યુજેનમાં યોજાયેલી ચેમ્પિયનશિપની ફાઇનલમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય પુરુષ એથ્લીટ બની ગયો છે. દિગ્ગજ મહિલા એથલીટ અંજુ બોબી જ્યોર્જે 2003માં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર જીત્યો. નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યા બાદ જણાવ્યું, પરિસ્થિતિ સારી ન હતી અને પવનની ઝડપ પણ ખૂબ જ વધારે હતી. મને વિશ્વાસ હતો કે હું સારો દેખાવ કરીશ. હું પરિણામથી સંતુષ્ટ છું, મને ખુશી છે કે હું મારા દેશ માટે મેડલ જીતવામાં સફળ રહ્યો. હું આજે ઘણું શીખ્યો. ગોલ્ડ મેડલ જીતવાની ભૂખ ચાલુ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. અનેક નેતાઓ, સેલિબ્રટીએ નીરજની તેની આ સિદ્ધી બદલ અભિનંદન પાઠવ્યા છે.