સહારા ગ્રૂપની કો-ઓપરેટિવમાં ફસાયેલા રોકાણકારોના કરોડો રૂપિયા પાછા મેળવવા માટે સહારા રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. સહારા રિફંડ પોર્ટલ દ્વારા નાણાં ઉપાડવાનું ખૂબ જ સરળ બનશે અને 45 દિવસમાં રોકાણકારોના ફસાયેલા નાણાં તેમના બેંક ખાતામાં આવી જશે. સહારાની ચાર સહકારી મંડળીઓના લગભગ 4 કરોડ આવા રોકાણકારો તેમના નાણાં પાછા મેળવી શકશે, જેમની રોકાણની પાકતી મુદત પૂરી થઈ ગઈ છે. જે રોકાણકારોના રોકાણ પરિપક્વ થયા નથી તેઓના નાણાં હાલમાં પાછા નહીં મળે. પોર્ટલ દ્વારા જેમના રોકાણનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તેમને જ પૈસા પરત કરવામાં આવશે. સરકારે રિફંડ કરવાના પૈસા પર 10,000 રૂપિયાની મર્યાદા લાદી છે અને માત્ર એવા લોકોને જ પૈસા મળશે જેમની રોકાણની અવધિ પૂર્ણ થઈ ગઈ છે. જે લોકોએ 10,000 રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે, તેમને પણ માત્ર 10,000 રૂપિયાની જ રકમ ચૂકવવામાં આવશે. રોકાણકારો આ પોર્ટલ પર લૉગિન કરીને પોતાનું નામ નોંધાવી શકે છે અને વેરિફિકેશન પછી રિફંડની પ્રક્રિયા શરૂ થશે. અરજી બાદ સહારા ઈન્ડિયાના રોકાણકારોના દસ્તાવેજો સહારા ગ્રુપની સમિતિઓ દ્વારા 30 દિવસમાં ચકાસવામાં આવશે. અરજી કરવા માટે, રોકાણકાર પાસે સભ્યપદ નંબર, ડિપોઝિટ એકાઉન્ટ નંબર, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર, ડિપોઝિટ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોવા આવશ્યક છે.