કરતારપુર કોરિડોરઃ સિદ્ધુ ફરી પાકિસ્તાન પહોંચ્યો, કહ્યું- હું નાનકનો દૂત છું
પાકિસ્તાન સરકાર કરતારપુરમાં એક રેલવે સ્ટેશન અને દેશભરમાં શીખ ધાર્મિક સ્થળોની નજીક શ્રદ્ધાળુઓને રોકાવની વ્યવસ્થા ઉભી કરવા માટે જમીન આપશે. ડોન ન્યૂઝના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે, સરકાર કરતારપુર, નનકાના સાહિબ તથા નરોવાલમાં હોટલોના નિર્માણ માટે શીખ સંગઠનોને જમીન આપશે.
સિદ્ધુએ લાહોરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું કે, મને પાકિસ્તાન આવવાથી કોઈ કેન્દ્રીય મંત્રી કે નેતાએ રોક્યો નથી પરંતુ મારી પીઠ થાબડી છે. કારણકે આ ધર્મનો મામલો છે. આપણે ધર્મને રાજનીતિના ચશ્માથી ન જોવો જોઈએ. આ દુનિયામાં એવો કોણ નેતા કે રાજા છે જે ભક્તોને ધાર્મિક સ્થળો પર જવાથી રોકે છે.
લાહોરઃ પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રી નવજોત સિદ્ધુ કરતારપુર કોરિડોરના શિલાન્યાસ માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. આજે તેમણે પાકિસ્તાન જવા માટે અટારી-વાઘા બોર્ડર પાર કરી હતી. સિદ્ધુને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ સિદ્ધુએ કહ્યું કે, હું ગુરુ નાનકનો સંદેશાવાહક બનીને આવ્યો છું અને શાંતિનો સંદેશ આપીશ.
26 નવેમ્બરે ભારતમાં પંજાબના ગુરદાસપુર જિલ્લા સ્થિત ડેરા બાબા નાનકમાં કરતાર કોરિડોરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ડિજિટલ રીતે બટન દબાવીને કોરિડોરનું પૂજન કર્યું હતું.