એક તસવીરે બદલી ચીનના આ બાળકની તકદીર, જાણો વિગત
8 જાન્યુઆરીએ તે સાડા ચાર કિ.મી. ચાલીને ક્લાસમાં પહોંચ્યો ત્યારે તેના વાળ અને પાંપણો પર બરફ જામી ચૂક્યો હતો અને હાથમાં ફોલ્લા પડી ગયા હતા.
બેઇજિંગઃ થોડા દિવસો પહેલા ચીનમાં 8 વર્ષનું એક બાળક -9 ડિગ્રી ઠંડીમાં પણ અડધો કલાક ચાલીને સ્કૂલે પહોંચ્યું ત્યારે તેના વાળ અને પાંપણ પર બરફ જામી ગયો હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
વાંગ ફુમાન નામના આ બાળક માટે તથા તેની સ્કૂલની હાલત સુધારવા માટે લોકોએ 4 દિવસમાં જ બે કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી કરી સ્થાનિક સ્વૈચ્છિક સંગઠન સુધી પહોંચાડી છે.
ફુમાન ચીનના યુનાન પ્રાંતના લુડિયનમાં તેની બહેન અને દાદી સાથે રહે છે. તેના પિતા બીજા શહેરમાં મજૂરી કરે છે. તેના પિતાએ તેની માતાને છોડી દીધી છે.
કાતિલ ઠંડીના કારણે તેના વાળ પર બરફ જામી ગયો. તેની આ તસવીર 'ફ્રોસ્ટ બોય'ના નિકનેમ સાથે દુનિયાના લોકો સુધી પહોંચી તો તેમનાથી પણ બાળકની હાલત ન જોવાઇ.
તેના ટીચર્સે માથાના વાળ પર બરફ જામી ગયો હતો તે તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટ પર અપલોડ કરી હતી.
પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેની પાસે કેપ કે મફલર નહોતા, જેથી તેણે બરફીલા પવનનો સામનો કરીને ભણવા જવા મજબૂર થવું પડ્યું.