ગુજરાત સ્થાપના દિવસ પર ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર પર ગુજરાતીઓની ધૂમ
ઉજવણીમાં ન્યુયોર્ક, ન્યુજર્સી, પેન્સીલ્વેનિઆ, કનેકટીકટ સહિતના વિસ્તારોમાંથી આમંત્રિતો પધાર્યા હતાં. તેમજ હજારો સ્થાનિક નાગરિકો ઉપરાંત ટુરીસ્ટોએ સાંસ્કૃતિ પ્રોગ્રામ નિહાળ્યો હતો. બાદમાં અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ન્યૂજર્સીઃ TV Asiaના ઉપક્રમે અમેરિકાના ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્કવેર ખાતે સતત બીજા વર્ષે મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવાયો હતો. ૩૦ એપ્રિલના રોજ કરાયેલી ઉજવણીમાં ઢોલ તાશા લેઝીમ આર્ટીસોએ રંગબેરંગી તથા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ મ્યુઝિક તથા ડાન્સ સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધો હતાં.
પ્રોગ્રામની શરૂઆત મ્યુઝીક સાથે ગણેશ વંદનાથી થઈ હતી. બાદમાં મહારાષ્ટ્રના ઢોલ તાશા મ્યુઝીક એન્ડ લેઝીમ ડાન્સનું નિદર્શન કરાવાયું હતું. અને ત્યારબાદ ગુજરાતના કલાકારોએ ગરબા તથા દાંડીયા રાસની રમઝટ બોલાવી હતી.જયભારત ઠોલ તાશા પાઠક USA દ્વારા શ્રી એચ.આર. શાહનું બહુમાન કરાયું હતું. આ તકે પદ્મ શ્રી ડો. સુધીર પરીખ તથા પદ્મશ્રી શ્રી એચ.આર. શાહએ ભારત, અમેરિકા તથા સમગ્ર વિશ્વમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન તથા ગુજરાતી પ્રજાજનોને મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્ય સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી હતી.
TV Asia તથા ઢોલ તાશા પાઠકના સંયુક્ત ઉપક્રમે ઉજવાયેલા મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્ય સ્થાપનાદિનમાં ન્યુયોર્ક ટાઈમ્સ સ્કવેર ખાતે ભારતની ભવ્ય સંસ્કૃતિના દર્શન સાથે વિવિધતામાં એક્તા જોવા મળી હતી.