ભારતના આ પડોશી દેશમાં 25 રૂપિયા સસ્તું છે પેટ્રોલ, ભારતીય કંપનીઓના જ છે પેટ્રોલ પંપ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 13 દિવસથી વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી છે. બીજી તરફ ભારતના પડોશી દેશમાં લીટર દીઠ પેટ્રોલ 25 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આ દેશમાં જેટલા પેટ્રોલ પંપ છે, તેનું સંચાલન પણ ભારતીય કંપનીઓ જ કરી રહી છે.
ભૂટાનની કરન્સી ભારતીય રૂપિયા બરાબર છે, તેથી અહીંયા તમે રૂપિયામાં પેટ્રોલ ખરીદી શકો છો. આસામના બક્સા જિલ્લાના લોકો નેશનલ હાઇવ 127 ઈના રસ્તે ભૂટાનના સૈમડ્રપ જોંગખાર પહોંચીને કોઈપણ જાતના ટેક્સ વગર પેટ્રોલ-ડીઝલ ભરાવી લાવે છે.
આ માટે વધારે દૂર પણ જવું પડે તેમ નથી. ભારતથી 200 મીટરના અંતરે સરહદ છે અને સરહદથી 300 મીટર પર પેટ્રોલ પંપ છે. ભારત મિત્ર દેશો હોવાના કારણે ભૂટાન પર કોઈ પ્રકારનો ટેક્સ પણ નથી વસૂલતું. જીએસટી લાગુ થયા બાદ પણ પેટ્રોલ ઝીરો એક્સાઇઝ ડ્યૂટી પર મોકલવામાં આવે છે. આ કારણે અહીંયા પેટ્રોલ-ડીઝલ ઘણાં સસ્તાં છે.
ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભૂટાનમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાઇ કરે છે. આસામના બક્સામાં પેટ્રોલની કિંમત 77 રૂપિયા છે, જ્યારે ભૂટાનમાં આ માટે માત્ર 52 રૂપિયા ખર્ચ કરવો પડે છે.
આ દેશમાં ભારતીયો માટે સરહદનું બંધન નથી અને ત્યાં જઈ સરળતાથી ગાડીની ટાંકી ફૂલ કરાવી શકે છે. આસામના બક્સામાં સરહદ પાર કર્યા બાદ થોડા મીટરના અંતર પર જ પેટ્રોલ પંપ છે, જેને ભારતીય કંપનીઓ ઓપરેટ કરે છે. આ દેશનું નામ ભૂટાન છે. જ્યાં ભારતીયોના આવવા-જવા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી.