Samsungના વાઈસ ચેરમેનની ધરપકડ, 268 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ
સોલઃ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ગ્રુપના વાઈસ ચેરમેન લી જે યોંગની ભ્રષ્ટાચાર અને લાંચ આપવાના આરોપમાં તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. આ કૌભાંડને કારણે રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂન હેઈ પર મહાભિયોગ પણ ચલાવવામાં આવ્યો.
તેમના પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓએ સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ પાર્ક ગ્યૂન હેઈને 40 મિલિયન ડોલરની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બદલામાં બે કંપનીને મર્જ કરવા માટે જરૂરી મદદ માગી હતી. કંપનીના ટોચના અધિકારીની ધપરકડ બાદ સેમસંગના શેરમાં ઘટાડો નોંધાયો હતો. જો કે સેમસંગે કહ્યું કે કંપનીએ કોઈ લાંચ આપી નથી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સિયોલ કોર્ટમાં 10 કલાક સુધી કાર્યવાહી બાદ યોંગની ધરપકડ કરવામાં આવી. બાદમાં યોંગની 48 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. યોંગ દેશના અમીર પરિવારમાંથી આવે છે, પહેલા પણ અનેક સ્કેન્ડલમાં તેમનું નામ ઉછળી ચૂક્યું છે.
યોંગના પિતા લી કુન જ સેમસંગ ગ્રૂપના ચેરમેન છે, 2014માં પિતાને હાર્ટ અટેક બાદ યોંગે કંપની સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે કંપની પહેલાથી ગેલેક્સી નોટ 7માં આવી રહેલી ખરાબીઓને કારણે મુશ્કેલીમાં છે જો યોંગને સજા થઈ તો સેમસંગના બિઝનેસ પર અસર પડી શકે છે.