બે ખતરનાક દુશ્મન બનશે દોસ્તઃ પરમાણુ યુદ્ધની ધમકીઓ વચ્ચે તાનાશાહ કિમ જોન્ગ ઉનને મળવા તૈયાર થયા ટ્રમ્પ
વૉશિંગટનઃ છેલ્લા કેટલાય સમયથી એકબીજા પર આક્ષેપો-પ્રતિ આક્ષેપો કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉન વચ્ચે હવે મિત્રતા થઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોન્ગ ઉનને મળવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દુનિયાના બે શક્તિશાળી નેતા મેમાં મુલાકાત કરી શકે છે.
નોંધનીય છે કે, ઓક્ટોબર 2000માં બિલ ક્લિંટનના વિદેશી મંત્રી રહેલા મેડલીન અલબ્રાઈટે કિમ જોંગ ઉનના પિતા અને ત્યારે નોર્થ કોરિયાના શાસક રહેલા કિમ જોંગ-2 સાથે વાત કરી હતી.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેંડર્સે કહ્યું છે કે, ટ્રમ્પે કિમ જોંગ ઉનનું આમંત્રણ સ્વીકાર કરી લીધું છે. બંને નેતાઓની મુલાકાત નોર્થ કોરિયામાં જ નક્કી કરવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે નોર્થ કોરિયા એટમી પ્રોગ્રામ બંધ કરે. તે વિશે તેના પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે મુલાકાત કરાવવામાં સાઉથ કોરિયાએ મધ્યસ્થીની ભૂમિકા નીભાવી છે. સાઉથ કોરિયાના નેશનલ સિક્યુરિટી એડ્વાઈઝર યુંગ યુઈ-યોંગે જ આ વાતની માહિતી આપી છે કે, ટ્રમ્પ ઉન સાથે મુલાકાત કરવા માટે રાજી થઈ ગયા છે.
અમેરિકા અને નોર્થ કોરિયાના આ બન્ને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. કિમ જોંગે આ વિશે ટ્રમ્પને આમંત્રણ મોકલ્યું છે, જે ટ્રમ્પે સ્વીકારી પણ લીધું છે. નોર્થ કોરિયા તરફથી સાઉથ કોરિયાએ કહ્યું ચે કે, અમે એટમી ટેસ્ટ બંધ કરવા અથવા પરમાણુ અપ્રસાર કરવા માટે કમિટેડ છીએ.